ભગવાનની ટપાલ

વિખ્યાત સૂફી સંત રાબિયા પાસે એક મુસલમાને જઈને કહ્યું : ‘મારું માથું એવું તો દુ:ખે છે કે પીડા સહન નથી થતી. થાય છે કે માથુ કાપી નાખું’

રબિયાએ એના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું : ‘અત્યાર સુધી માથું દુ:ખતું ન હતું, ત્યારે કદી પણ તેં ખુદાનો આભાર માનેલો ખરો ?’ રબિયાએ બહુ મોટી વાત કહી દીધી. સાંજે જમવા બેસીએ અને થાળીમાં ભોજન પીરસાય ત્યારે આપણે પ્રભુનો પાડ માનતા નથી. સાજા સમા હોવા બદલ આપણે ઈશ્વરના અનુગ્રહની નોંધ લેવાનું ચૂકી જઈએ છીએ. સંતાનો વિવેકી હોય ત્યારે આપણે તેને ઈશ્વરની મહેરબાની ગણીને એ માટે આભાર માનવાનું યાદ નથી રાખતા. દેખતો માણસ આંખનું ખરું મૂલ્ય સમજવામાં ગોથું ખાઈ જાય છે.

હૃદયરોગનો હુમલો થાય પછી હૃદયનું મૂલ્ય સમજાય છે. ડાયાલિસિસ કરાવવાની નોબત આવે ત્યારે કિડનીનું મહત્વ સમજાય છે. ઊંઘની ગોળી લીધા પછી પણ ફાંફાં મારવાં પડે ત્યારે માંડ સમજાય છે કે ઘસઘસાટ ઊંઘનાર ગરીબ આદમી કેટલો વૈભવશાળી છે. જીવનની કહેવાતી નાની ઘટના પણ નાની નથી હોતી. પ્રતિક્ષણ માલિકના અનંત ઉપકાર હેઠળ હોવાની અનુભૂતિ ભક્તની સાચી અમીરાત છે. કૃપાનુભૂતિ, ઈશ્વરાનુભૂતિની પ્રસ્તાવના છે. આવી કૃપાનુભૂતિને અંતે હૃદયમાં ઊગતી પ્રાર્થનામાં શબ્દો ખરી પડે છે અને કેવળ પ્રાર્થના રહી જાય છે. જાણીતા દાર્શનિક મિસ્ટર એકહાર્ટ કહે છે :

સમગ્ર જીવન દરમ્યાન
જો તમે
ફકત એક જ વખત પ્રાર્થના કરો
અને (ઈશ્વરને) ‘થૅન્ક યૂ’ કહો,
તો તે પણ પૂરતું છે.

આપણે આભાર ન માનીએ તો તેમાં ઈશ્વરનું કશું બગડતું નથી. તેની કૃપા તો નાસ્તિક પર પણ વરસતી જ રહે છે. આસ્તિક મનુષ્ય માને છે કે પોતાની બુદ્ધિમાં ન સમાય એવી ઘણી બાબતો સૃષ્ટિમાં છે, જેનો પાર બુદ્ધિથી પામી શકાય તેમ નથી. નાસ્તિક મનુષ્ય માને છે કે પોતાની બુદ્ધિમાં ન સમાય તેવી કોઈ બાબતનો સ્વીકાર ન થઈ શકે. કોઈ અભણ મનુષ્ય પાયથાગોરસનો પ્રમેય ન સમજે, તેથી એ પ્રમેયના સત્યને કોઈ હાનિ પહોંચતી નથી. સતત વહેતા કૃપાના ધોધ નીચે પ્રાર્થનામય ચિત્તે ઊભા રહીને પલળવું એ જ ભક્તિ છે. 

. અવ્યભિચારિણી ભક્તિ પ્રાપ્ત થવી એ પણ પ્રભુની કૃપા છે. ક્યારેક એવું બને કે ઈશ્વરનો સાક્ષાત્કાર ન થાય તોય એની કૃપાની અનુભૂતિ સતત થતી રહે છે. જેઓ પરીક્ષામાં ફુલ્લી પાસ ન થાય તેવા નિશાળિયાઓને પણ ‘ઉપર ચડાવવામાં આવે છે.

-ભગવાનની ટપાલ

-ગુણવંત શાહ

2 Comments

  1. અવ્યભિચારિણી ભક્તિ પ્રાપ્ત થવી એ પણ પ્રભુની કૃપા છે. ક્યારેક એવું બને કે ઈશ્વરનો સાક્ષાત્કાર ન થાય તોય એની કૃપાની અનુભૂતિ સતત થતી રહે છે. જેઓ પરીક્ષામાં ફુલ્લી પાસ ન થાય તેવા નિશાળિયાઓને પણ ‘ઉપર ચડાવવામાં આવે છે…………
    ” BHAGVANni TAPAAL ” I liked the Post…..May God lead me to the BHAKTI PANTH always !
    I invite you to my Blog Chandrapukar too !

  2. Rajeshriben Came back to your Blog…& I am waitng to srr you on my Blog Chandrapukar…..See you soon ! Chandravadan ( Chandrapukar )


RSS Feed for this entry

Leave a Comment