ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઇ પાર નથી.
ઓ સંકટના હરનારા, તારી કરુણાનો કોઇ પાર નથી.
મારાં પાપ ભર્યાં છે એવાં, હું ભૂલ્યો કરવી સેવા,
મારી ભૂલોના ભૂલનારા, તારી કરુણાનો કોઇ પાર નથી…ઓ કરુણાના કરનારા,
હે પરમ કૃપાળુ વ્હાલા,મેં પીધા વિષનાં પ્યાલા,
મારા જીવન રક્ષણહારા, તારી કરુણાનો કોઇ પાર નથી…ઓ કરુણાના કરનારા,
હું અંતરમાં થઇ રાજી, ખેલ્યો છું અવળી બાજી,
અવળી-સવળી કરનારા, તારી કરુણાનો કોઇ પાર નથી…ઓ કરુણાના કરનારા,
ભલે છોરૂં કછોરૂં થાયે, તું માવતર કહેવાયે,
મીઠી છાયા દેનારા, તારી કરુણાનો કોઇ પાર નથી…ઓ કરુણાના કરનારા,
મને મળતો નથી કિનારો, મારો ક્યાંથી આવે આરો,
મારા સાચા ખેવનહારા, તારી કરુણાનો કોઇ પાર નથી….ઓ કરુણાના કરનારા,
છે જગનું જીવન ઉદાસી, તારે ચરણે લે અવિનાશી,
રાધાના દિલ રમનારા, તારી કરુણાનો કોઇ પાર નથી…ઓ કરુણાના કરનારા,
